સંબંધનું મહત્વ

જીવન છે નાનું એવું
અને સંબંધ છે એક થી વધુ
બધાને ખુશ કેવી રીતે રાખુ?
મને લાગે આ કામ ઘણું અઘરું!

સંબંધ: મનુષ્યના સુખ અને શાંતિ માટે એક અત્યન્ત જરૂરી સ્તંભ. ઇન્સાનનો જન્મ થાય ત્યારથી લઈને મરણ પથારીએ પહોંચે ત્યાં સુધી, દરેક પગલે કોઈ ન કોઈ આપણા સાથે જોડાય જાય. કોઈ કાયમ માટે અને કોઈ વચ્ચેથી છૂટી પણ જાય.

જીવનના હર પાયદાન ઉપર, જુદા જુદા લોકો સાથે આપણે જોડાયેલા રહીએ. સૌ પ્રથમ તો પરિવાર. માં-બાપ, ભાઈ-બહેન અને દૂર કે નજીકના સગા. આપણુ માનસિક સ્વાસ્થ્ય અને વ્યક્તિગત સુખાકારી આપણા સંબંધોની ગુણવત્તામાં સમાયેલી હોય છે.

આપણે જેને પ્રેમ કરીએ, તે લોકો સાથે આપણે વધુ નજીકથી જોડાયેલા હોઈએ, અને એમના સાથે હોવાથી આપણને સુખ અને શાંતિ નો અનુભવ થાય. અને ખરુ પૂછો તો આપણા સંબંધો આપણને જીવનની મુશ્કેલીઓનો સામનો કરવાની ક્ષમતા આપે છે. આપણે નાના હતા, અને સ્કૂલમાં ઓછા માર્ક્સ આવતા, ત્યારે મા પ્રેમથી માથે હાથ ફેરવતી અને આશ્વાસન આપતી,
“કંઈ વાંધો નહીં દીકરા, બીજી વાર વધુ મહેનત કરજે”.
આપણા વ્હાલાઓ આપણી અંદર હિમ્મત પેદા કરે. આપણે એકલા કાંઈ નથી. આપણાં આસપાસના સગા સંબંધીઓનો ટેકો આપણને જાળવી રાખે છે.

પણ એક વસ્તુ સમજવા જેવી છે. સંબંધ બનાવવા કોઈ મોટી વાત નથી. ક્યારે પણ અને કોઈની સાથે પણ બની જાય. સંબંધ સચવાતા નથી, સાચવવા પડે છે. જેમ કહેવાયને કે જેવું વાવશો એવું જ ફળ મળશે!
માયાએ પોતાની મરજીથી નોકરી છોડી, ઘરે સાસુ સસરાની સેવા કરવાનો નિર્ણય લીધો. પહેલા માયાને થોડું ખટક્યું, પણ આજે બધે એની પ્રશંસા થાય છે.

સંબંધ સાચવવામાં આપણો પોતાનો યોગદાન ખૂબ જ જરૂરી છે. હૃદય માં લાગણી, વાણીમાં મીઠાશ, સહનશીલતા અને સમજદારી. આ બધાના મિશ્રણથી સંબંધો ફૂલે ફ્લે અને લાંબા ચાલે. ક્યારે નમવું પડે અને કેટલા સમાધાન કરવા પડે. જો અઘરું લાગતું હોય, તો એક પ્રશ્ન પૂછું? મહત્વનું શું છે? જેને પ્રેમ કરો છો એ વ્યક્તિ કે એકલતા અને અહમ?

એક પ્રેમાળ અને મજબૂત સંબંધ બનાવવા માટે, એને સમય આપવો પડે. સાથે બેસો, વાતો કરો, જેનાથી મન હળવું થાય અને એવો એહસાસ જાગે, કે મારું કોઈ છે.
મનોજ સેલ્સમેન હતો અને આખો દિવસ ઉભા રહેવું પડતું. ઘરે આવતા, થાકીને લોથપોથ થઈ જતો. પણ જયારે એની પત્ની પ્રેમથી પાણી આપતા કહેતી,
“ખૂબ થાક લાગ્યો છે ને? પગ દબાવી આપું?”
એના એક વાક્યમાં જ મનોજનો અડધો થાક ઉતરી જતો.

સમય પર પડખે ઉભા રહેવું, એક સાચા અને મજબૂત સંબંધના લક્ષણ છે. લોકેશના પપ્પા બીમાર પડયા ત્યારે એને જરાય ચિંતા કે એકલતા ન લાગી. એનો મિત્ર સમીર છેલ્લે સુધી, બધી ભાગ દોડમાં એની સાથે હતો.

ગેરસમજ કોઈ પણ સંબંધનો જાની દુશ્મન છે. વાતચીત અને ખુલાસા, આપણા સંબંધને નવું જીવન દાન આપી શકે છે. સુરેશ ખુશ છે કે એણે સુધાને બોલવાનો મોકો આપ્યો, તો આજે એનુ ઘર તૂટવાથી બચી ગયું.

માફ કરવું અને જવા દેવું – સુખી પરિવારનું રહસ્ય. જો પકડી રાખવું હોય, તો મીઠી યાદો ને જકડી રાખો. નહીતર હાડપિંજર તો કબર માં જ સારા લગે.

છેલ્લે એક મહાન વ્યક્તિની વાણી સાથે આ લેખનો અંત લાવું,
“સંબંધમાં જીવ ફૂંકો…જીવનમાં ખુશી આપોઆપ આવી જશે.”

શમીમ મર્ચન્ટ

______________________________________

Categories: Tags: ,

Leave a comment