મિસ બેલી

મિસ બેલી: મારા ત્રીજા ધોરણમાં ત્રણ કલાક માટેના શિક્ષક! હા, તમે બરાબર વાંચ્યું. તે માત્ર ત્રણ કલાક માટે મારા શિક્ષક હતા.

મિસ બેલી ટિંગા, ખૂબ જ પાતળા અને તેમની ત્વચા પર કરચલીઓ પડી ગઈ હતી. તેમના ટૂંકા વાંકડિયા ચાંદી જેવા સફેદ વાળ હતા અને ભૂરી આંખો સામાન્ય રીતે ચશ્માથી ઢંકાયેલી હતી. મેં તેમને હંમેશા મેચિંગ સ્વેટર સાથે લાંબા ફ્રોક્માં જોયા હતા. તે વિધવા હતા અને ચર્ચ દ્વારા આપેલા નાનકડા મકાનમાં ચર્ચ કમ્પાઉન્ડમાં, પચાસ વર્ષની ઘરકામ કરતી સ્ત્રી અને તેની મમ્મી સાથે રહેતા હતા, જે મિસ બેલીના ઉંમરની હતી.

મારા બીજા ધોરણ પછી, અમે મુંબઈથી બેંગ્લોર રહેવાનું સ્થળાંતર કર્યું. મારી પ્રવેશ પરીક્ષાનું પરિણામ જોઈને, મિસ બેલીએ પ્રિન્સિપલ સાથે વાત કરી અને તેઓએ મને ચોથા ધોરણમાં બઢતી આપી.

આઠ વર્ષની ઉંમરે અને માંડ ત્રણ કલાકના કનેક્શન માં, એક ઝબકારામાં તેમણે મારી આત્માને સ્પર્શી નાખી. મેં હજી સુધી એમના જેટલી દયાળુ અને પ્રેમાળ વ્યક્તિ નથી જોઈ. તેમની કોમળ અને નમ્ર વાણીમાં મધ ટપકતું હતું. જ્યારે તેઓ મારો હાથ પકડતા, તો હું તેમના નાજુક હાથમાં તેમના હૃદયની હૂંફ મહેસૂસ કરી શકતી હતી. હું તેમની પાસેથી જે પાઠ શીખી, તે કોઈ શિક્ષક ક્યારેય ક્લાસરૂમ માં નથી ભણાવી શક્યા. વ્યંગાત્મક રીતે, તેમણે એ બધી વસ્તુ પાસે બેસાડીને નહોતી શીખવાડી. જે પાઠ હું મિસ બેલી પાસેથી શીખી, તે તેમનું વ્યક્તિત્વ અને તેમની જીવનશૈલીમાંથી હતું. તે પાઠ હતો, કે વ્યક્તિત્વ સાદગી ભરેલું, તેમ છતાં પ્રભાવશાળી હોઈ શકે; નાની નાની વસ્તુઓ પણ તમને જીવનભર સુખદ યાદો આપી શકે છે. મિસ બેલીના નમ્ર સ્વભાવને જોતા તેમના જેવી વ્યક્તિ બનવાની મનમાં તીવ્ર ઈચ્છા જાગી.

જેમ જેમ વર્ષો વીતતા ગયા, તેમ તેમ વર્ગ, શાળા અને કોલેજો બદલાતા ગયા. પરંતુ, હું આખી જિંદગી મારા પ્રિય શિક્ષકના સંપર્કમાં રહી. તે લાંબા સમય પહેલા નિવૃત્ત થઈ ગયા હતા, પણ હું દર રવિવારે તેમની મુલાકાત લેવાની ખાતરી કરતી. અમારું બંધન પરસ્પર હતું. તે મને તેટલો જ પ્રેમ કરતા હતા જેટલો હું તેમને કરતી હતી. હું કલાકો સુધી મિસ બેલી સાથે બેસી, લાંબી વાતો કરતી, તેમને મારા બધા કાર્યો વિશે જણાવતી અને તેમની સલાહ સાંભળતી. તેમના ઘરની સંભાળ રાખનાર અમને લીંબુ અને જવનું શરબત પીરસતી, જેનો અમે વાતચીત દરમિયાન ધીમે ધીમે આનંદ લેતા. મિસ બેલીના નાનકડા ઘરનો દેખાવ ખૂબ જ અંગ્રેજી હતો અને તે ઘણી હૂંફ અને ઘરેલુ લાગણીને ઉત્સર્જિત કરતો હતો.

જ્યારે મારા લગ્નના દિવસે તે મને આશીર્વાદ આપવા આવ્યા ત્યારે અમે બંને ખૂબ જ ભાવુક થઈ ગયા. સ્ટેજ પર તેમણે મારા નવા બનેલા પતિ સાથે એવી રીતે વાતો કરી જાણે તેઓ લાંબા સમયથી ખોવાયેલા મિત્રો હોય.

મિસ બેલીને ગુજરી ગયાને વર્ષો વીતી ગયા છે. હું એમને પહેલીવાર મળી, તેને આજે ચુમ્માલીસ વર્ષ થઈ ગયા. આ લેખ લખતી વખતે, હું ફરી ભાવુક થઈ ગઈ. હું હજી પણ આશ્ચર્યચકિત છું; મિસ બેલી કેટલા ચમત્કારિક સ્ત્રી હતા, કે આટલા વર્ષો પછી પણ હું એમનાથી પ્રભાવિત છું. ફક્ત ત્રણ કલાકમાં તે હંમેશ માટે મારા હૃદયમાં સમાઈ ગયા. પ્રભુ તેમની આત્માને શાંતિ આપે.

કેટલું અદ્ભુત કહેવાય જો આપણે કોઈના પર એવો પ્રભાવ પાડી શકીએ જેવો મિસ બેલીએ મારા પર પાડ્યો છે. આજે, હું પોતે એક શિક્ષક છું અને ઈચ્છું છું કે મારા વિદ્યાર્થીઓ મને પ્રેમ કરે, મારી ક્લાસમાં આનંદ અનુભવે અને મારા લેક્ચર ની આતુરતાથી રાહ જુએ. મને કહેતા ખુશી થાય છે કે, ક્યાંક હું આ ઉદ્દેશ્ય હાંસલ કરવામાં સફળ થઈ છું, તેમ છતાં આ કાર્ય સદૈવ એક અવિરત મિશન રહેશે.

મારી પ્રિય મિસ બેલી. તમે જ્યાં પણ હોવ, ભગવાન તમને શાંતિ આપે. હું તમને આજે પણ પ્રેમ કરું છું અને હંમેશા કરતી રહીશ. અત્યાર સુધીના મારા સૌથી સુંદર શિક્ષક હોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારું સદ્ભાગ્ય હતું કે હું તમને મળી અને આપણે થોડો સમય સાથે વિતાવ્યો.

મારી એક નવલકથામાં, મેં મિસ બેલીના નામનું એક પાત્ર તેમને સમર્પિત કર્યું છે. મારા વ્હાલા શિક્ષક માટે મારું આ અવતરણ તેમને ખૂબ જ ફિટ બેસે છે:
“તમારા સોનેરી હૃદયની યાદો,
હંમેશા તમારી હાજરીને જીવંત રાખશે!”

આજે, ગુરૂ પૂર્ણિમાના અવસરે હું આ લેખ મારા સૌથી પ્રિય શિક્ષકને શ્રધ્ધાંજલી રૂપે અર્પણ કરું છું.

શમીમ મર્ચન્ટ, મુંબઈ.
______________________________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on instagram

https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=

Categories: Tags: , ,

Leave a comment